કોરોના કકળાટ પછી જન્મેલા છોકરાઓ કંમ્પ્લેઇન કરતા ફરતા હશે કે અમે અમારા માં બાપ ને પરફેક્ટલી ઓળખાતા જ નથી, કદી પૂરો ચહેરો જોયો હોય તો ખબર પડે ને !
સ્કૂલ બસ થી ઘરે આવ્યા બાદ માં બાપ પણ લોચા મારતા જોવા મળશે કોઈનું છોકરું લઇ ચાલતી પકડશે કેમકે આ પીપીઈ કીટ માં કઈ ખબર જ નથી પડતી કે આપણું સેમ્પલ આમાંથી કયું છે !
માસ્ક થી થતી મગજમારી ની વાત કરીએ તો -
સવાર માં જ કોઈનો ચહેરો જોઈને જ ખબર પડી જશે કે ભાઈ બોર્નવીટા પીને આયા છે કે ચા. દૂધ ના કેસ માં તમને સામેની વ્યક્તિ ના માસ્ક પર મલાઈ બાઝેલી જોવા મળી શકે ને અફકોર્સ ચા ના કેસ માં ચા ના કૂચા ચોંટેલા જોવા મળી શકે ! (માસ્ક જ પહેરેલો હોય ત્યાં ગળણી ની શું જરૂર !!)
આપણે લોકો પાછા મારી ચડ્ડી તારાથી વધુ લાલ છે એમ બતાવામાં પણ ક્યાં પાછા પડીએ છીએ ?! માસ્ક અને પીપીઈ કીટ માં પણ બ્રાન્ડેડ અને ગુજરી બજાર વાળી વેરાઈટી જોવા મળશે ! લેડીઝ ને પાછા કલર ના વાંધા વચકાં હોવાના, આ પીપીઈ ને માસ્ક મેચિંગ માં બતાવો ને ! જે રીતે આ પ્રજાતિ બ્લાઉઝ -ચણીયા ના મેચિંગ સેન્ટર માં કરતી આવી છે ! આ રાણી, મેજેન્ટા કે ફાલસા કલર માં બતાવો ને , આ પિસ્તા કલર તો બહુ મેંલો થઇ જાય છે! લેડીઝ ની વાતો પણ કૈક આમ બદલાઈ ગઈ હશે કે - અલી, તને ખબર છે આપણા GMDC ગ્રાઉન્ડ માં પીપીઈ કીટ નો સેલ આયો છે, આપડા હસબન્ડો ને લઈને ક્યારે જઇશુ?!
અમારે તો ઘરમાં લગન લીધા છે, કચ્છીભરત વાળી ને આભલા મઢેલી સ્પેશિયલ પીપીઈ કીટ ઓર્ડર કરી છે, પેલી જોધપુરી કે બાંધણી કલર વળી પીપીઈ કીટ તો હવે ઓલ્ડ ફેશન્ડ થઇ ગઈ છે!!
સામે છેડે પુરુષોને આરામ થઇ જશે. ના , ના સવાર સવાર માં ઘરવાળીનું ચઢેલું મોઢું જોવામાંથી છુટકારાની વાત નથી! રોજ ઓફિસે જતા દાઢી ઘસ ઘસ કરવી નઈ પડે, માસ્ક માં આમેય ક્યાં દેખાવાની? ઈસ્ત્રી કરી ના કરી , કી ફરક પૈંદા હૈ જી ? હા પણ, કાઠિયાવાડી પુરુષોએ માવો થૂંકવા ચૈન વાળા માસ્ક ના એક્સટ્રા પૈસા આપવા રેડી રહેવું પડશે! અમદાવાદી ઉનાળું ગરમીમાં લોકો ખાલી ચડ્ડી-ગંજી પર પીપીઈ કીટ ચઢાવીને ઓફીસ જવા લાગે તો નવાઈ નહિ હોય! સાલું એટલું ધ્યાન રાખવું પડે કે પાર્કિંગમાંથી સ્કૂટર ની કિક મારતાં જ એપાર્ટમેન્ટના કૂતરા પાછળ ના પડે! એ માટે એક એક્સટ્રા સેટ જોડે રાખવો સારો , હડકવાની રસી તો શોધાઈ ગઈ છે પણ કોરોનાની આપડા ભઈલાઓ શોધે ત્યારે ખરું!
લગ્નપ્રસંગોમાં તમારે આમંત્રણ સાથે 2 ઈન્ટરનેટ લિંક રહેશે! 1.ઝૂમ મિટિંગ ની લિંક- લગનને ઘેર બેઠા માણવા અને તમારી સૂક્ષ્મ સ્વરૂપે હાજરી પુરાવવા અને 2. ઝોમેટો (કે સ્વિગી) ની લિંક - અહીં વર કે વહુ ના બાપાશ્રી એ ઝોમેટો પર લિસ્ટ થવું પડશે અને આમંત્રિતો ને લખેલી કંકોતરી મુજબ લંચ કે ડિનર પેક ની આપશ્રી/આપ બંને / આપ સહપરિવાર મુજબ કોન્ટેકલેસ ડિલિવરી કરાવવાની રહેશે ! ઓર્ડર રિસીવ થયા બાદ ઑન લાઈન પેમેન્ટ કરવાનું રહેશે જે ઝોમેટો પોતાનું કમિશન કાપી ચાંદલાની રકમ બાપાશ્રીના ખાતામાં જમા કરી દેશે!
આ સાથે ગામડાઓમાં ઓરી-અછબડાંમાં શીતળામાતાકે બળિયાદાદા ના મંદિરો માં કુલેર અને ટોઠાનો પ્રસાદ લોકો જે રીતે એક ટંક ના ભાણાં ની જેમ ઝાપોટે છે તે રીતે કોરોનમાતા ના પણ મંદિરો બનશે, જ્યાં કોરોના સ્પેશિયલ કંસાર નો પ્રસાદ ઝાપટવાનો રહેશે!
તમને પણ કોરોના અંગે આવા જ કંઇક ક્રાંતિકારી વિચારો આવતા જ હશે... કોમેન્ટ બોક્ષમાં ચોક્કસ જણાવશો..!!
નોંધ: અમારી કોરોના પીડિત અને આ મહામારીના ભોગ બનેલા પ્રત્યે પુરી સહાનુભૂતિ છે અને આ લેખ પાછળ અમારો કોઈની ભાવનાઓને ઠેસ પહેચાડવાનો ઉદ્દેશ્ય નથી.માત્ર આ કઠિન સમય માં થોડી હળવાશની પળોને સૌ સાથે વહેંચી, વ્યગ્રતાઅને ચિંતા ના ભારમાંથી થોડા સમય માટે અળગા કરવાનો એક નિખાલસ પ્રયાસ છે.
0 comments: